Uttarakhand ના જંગલોમાં લાગેલી આગ બની આફત: 1 શ્રમિકનું મોત, 3 ઘાયલ

Outlook Highlight:

1. સીમાંતના 14 જંગલોમાં ભારેલો અગ્નિ જેવી દશા

2. ઉત્તરાખંડના જંગલોમાં છેલ્લા 24 કલાકમાં 40 વખત આગના બનાવ સામે આવ્યાં

૩. આગના ધૂમડાઓ રહેણાંક વિસ્તાર સુધી પહોંચ્યા

મીડિયા આઉટ લૂક ટીમ, ઉત્તરાખંડ:

3rd May, 2024 10:47 AM

એક તરફ ગરમી પોતાનો મિજાજ બતાવી રહી છે ત્યારે તેવામાં ઉત્તરાખંડના જંગલોમાં ભીષણ આગ લાગવાના બનાવો સામે આવી રહ્યાં છે. અહીં તમને જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં ઉત્તરખંડના જંગલમાંથી 40 વખત વનાઅગ્નિ ભભૂકવાના સમાચાર મળી રહ્યાં છે. તો આ સાથે ઉત્તરાખંડમાં આવેલા અલ્મોડા જિલ્લાના સોમેશ્વર થાના ક્ષેત્રમાં બે મહિલાઓ સહિત એક શ્રમિક ગંભીર રીતે ઘાયલ થયા છે જેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. તો બીજી તરફ એક નેપાળી શ્રમિકનું આગની જપેટમાં આવવાના લીધે મૃત્યુ થવા પામ્યું છે. જંગલોમાં જાણે ભારે દાવાનળ પ્રસરી રહ્યો છે ત્યારે આગના ધૂમડાઓ દૂર દૂર માનવ વસાહત સુધી પ્રસરી રહ્યાં હોવાથી સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ઉત્તરાખંડના જંગલોમાં આગ જાણે અંકુશની બહાર જતી રહી છે તેવામાં ગુરુવારના રોજ ઉત્તરખંડમાંથી 24 કલાકમાં જ 40 આગ લાગવાની ઘટનાઓ સામે આવી હતી. મહત્વનું છે કે આ ઘટનાઓમાં 64 હેક્ટર જંગલો નાશ પામ્યાં છે. તો બીજી બાજુ જોઈએ તો આ ઉનાળાની ઋતુમાં જંગલમાં દાવાનળ લાગવાના આંકડા તપાસી તો 1011 હેક્ટર જંગલોને નુકશાન થવા પામ્યું છે, જે ગયા વર્ષની તુલનાએ ખૂબ વધારે છે. અત્યારસુધી 804 આગના બનાવોને ધ્યાનમાં લઈને વનવિભાગ અને સ્થાનિક તંત્ર હાઇએલર્ટ થઈ ચૂક્યું છે અને આગને ડામવા માટેનાં સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.

ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગના પગલે આકાશમાં ધૂમડાઓના ગોટા જોવા મળી રહ્યાં છે અને એટલું જ નહીં આ ધૂમાડા રહેણાંક વિસ્તાર સુધી પ્રસર્યા હોવાથી લોકોમાં ચિંતાનું મોજું ફરી જવા પામ્યું છે. ઉલ્લેખનીય છે કે સીમાંતના 14 જંગલો છેલ્લા 24 કલાકથી આગની જપેટમાં છે ત્યારે બહુ મોટા પ્રમાણમાં વન્ય સંપતિને નુકશાન થયું હોવાની આશંકા સેવાઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *