Outlook Highlight:
1. જાણો એવી રેસિપી વિશે કે જે બને છે એકદમ સ્વાદિષ્ટ
2. મિનિટોમાં તૈયાર થાય છે આ સ્વાદની સફર
ચટપટા દહીંના પરોઠા
ભાગદોડ ભરેલી જિંદગીમાં જ્યાં લોકોની પાસે સમય નથી અને જંકફૂડ ખાઈને પોતાનું ગુજરાન ચલાવી લે છે ત્યારે આજે તમારા માટે લઈને આવ્યાં છીએ ઓછા સમયમાં તૈયાર થતાં અને સ્વાદિષ્ટ એવા ચટપટા દહીંના પરોઠા. જી હાં! આ એ પરોઠા છે કે જે તમને તણાવમાંથી મુક્ત રાખવાની સાથે સાથે શરીરની રોગપ્રતિકારક શક્તિને પણ વધારવાનું કામ કરે છે. દહીં ખાવાથી હાઈ બ્લડપ્રેશરના ખતરા સામે મળે છે રક્ષણ અને હૃદયને લગતી બીમારીઓ સામે આપે છે સુરક્ષા. દહીં એ એનર્જી બુસ્ટર તરીકેની ભૂમિકા નિભાવે છે કે જે શરીરમાં એંટીઓક્સિડંટની જેમ કામ કરે છે અને સાથે સાથે શરીરને પણ હાઈડ્રેટ રાખે છે, આવો જાણીએ આ આરોગ્યસભર રેસિપી વિશે:
દહીંના પરોઠા બનાવવાની સામગ્રી: ઘઉંનો લોટ- 2 કપ હળદર- 1/4 ટી સ્પૂન કશ્મીરી લાલ મરચું પાઉડર- 1/2 ટી સ્પૂન જીરા પાઉડર- 1/4 ટી સ્પૂન ગરમ મસાલો- 1/2 ટી સ્પૂન અજમો- 1/4 ટી સ્પૂન કસુરી મેથી- 1 ટી સ્પૂન આદુની પેસ્ટ- 1 ટી સ્પૂન મરી પાઉડર- 1 ટી સ્પૂન સમારેલી કોથમીર- 2 ટેબલ સ્પૂન સમરેલો ફુદીનો- 2 ટેબલ સ્પૂન મીઠું – 1/2 ટી સ્પૂન / સ્વાદ અનુસાર તેલ- 2 ટેબલ સ્પૂન
દહીંના પરોઠા બનાવવાની રીત:
સૌ પ્રથમ એક પરાતમાં ઘઉંનો લોટ લઈને તેમાં થોડી સમારેલી કોથમીર અને ફુદીનાના પાન ઉમેરીને ભેળવી લો. ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી, લીલાં મરચાં, હળદર, મરી પાઉડર, સ્વાદ અનુસાર મીઠું અને ઉપરોક્ત સામગ્રી ઉમેરીને લોટને પાણીની જગ્યાએ દહીં ઉમેરીને પરોઠાનો લોટ બાંધી લો. તૈયાર કરેલા આ લોટને તેલ લગાડીને 15 મિનીટ માટે રેસ્ટ આપો. હવે આ લોટમાંથી નાની સાઈઝના લુવા તૈયાર કરીને ગરમ તવા પર થોડું થોડું તેલ લગાડતા જઈને તેને શેકી લો. આ શેકેલા પરોઠાને તમારા મનપસંદ આચાર કે કોઈ ચટણી સાથે સર્વ કરો.
તો છે ને સ્વાદિષ્ટ એવા પરોઠાં, કે જે નાના-મોટાં એવા સૌ કોઈને ભાવે. આ રેસિપી ટ્રાય કરી જરૂરથી તમારા ફીડબેક મોકલી આપો.