સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે. સિંહ જંગલમાં બધાને ડરાવીને રહે છે. તમને બાળકો બધાને ખબર હશે કે સિંહ છે એ સૌથી તાકાતવર હોય છે અને બધા તેનાથી ડરતાં હોય છે. એક દિવસ હતો જયારે રાજા સિંહ શહેરમાં ફરવા નીકળ્યા હતા. સિંહે શહેરમાં જોયું કે શહેરના રાજા હાથીની પીઠ પર આસન પાથરીને નગરચર્યાએ નીકળ્યાં છે. તો બાળ મિત્રો! સિંહ પણ તો હતાં જંગલના રાજા, તેમને પણ હાથી પર આસન પાથરીને બેસવાનું મન થયું. બસ આ મનમાં નક્કી કરેલી વાત જંગલના અન્ય પ્રાણીઓને કહી અને આદેશ આપ્યો કે હાથી પર એક આસન મુકવામાં આવે. પછી તો શું થાય પ્રાણીઓ તેના રાજાના આદેશ મુજબ કામ કરવા લાગ્યા અને અંતે હાથીની પીઠ પર આસન મુકવામાં આવ્યું. અને સિંહ આ જોઇને ખુશ થયો અને કુદીને હાથીની પીઠ પર એટલે કે આસન પર જઈને બેઠો. હવે હાથીભાઈએ કર્યું ચાલવાનું શરૂ. હાથી જેમ જેમ આગળ ચાલે એમ એમ સિંહનું આસન ખસી જાય અને એકવાર એકદમ આસન ખસી જતા સિંહ જમીન પર પટકાયો અને સિંહનો પગ તૂટી ગયો અને અંતે સિંહ બોલ્યો કે આના કરતાતો ચાલીને જવું વધારે સરળ હોય છે.
શું શીખવા મળ્યું બાળ મિત્રો?: જે જેનું કામ હોય છે એ કામ એને જ શોભે છે, સિંહે મનુષ્યની નકલ ઉતારી અને પરિણામ તો તમારા સૌની સામે જ છે.