Outlook Highlight:
1. શ્રમિકોના ઘરે ઉજવાયો દિવાળી પર્વ
2. એ રેટ માઈનર્સને સલામ કે જેમણે જીતાડ્યો આ જીવન-મરણનો ખેલ
ઉત્તરકાશી: જીવન એક એવી પરિભાષા છે કે જે બધાને કંઈકને કંઈક શીખવાડતી હોય છે. ક્યાંક ટેકનોલોજી હારી રહી હતી તો ક્યાંક મનુષ્યના પ્રયાસો જીતી રહ્યાં હતાં. આ બધાની વચ્ચે મળ્યા એ સમાચાર કે જેને 139 કરોડ દેશવાસીઓને કરી દિધા ખુશ અને દેશમાં ફરી ઉજવાયો દિવાળીનો જશ્ન. જી હાં! આજે એ તમામ 41 જિંદગીઓ સહી સલામત છે અને ફરીથી જીત થઇ છે હોસલાંની અને એ આશાઓની કે જે આ કર્મવીરોના મોઢાં પર જોવા મળી રહી હતી.
સિલ્ક્યારા ડંડારગાંવ ટનલમાં ફસાયેલા એ 41 શ્રમિકોનો જીવનમાર્ગ મોકળો થઇ ગયો છે. મહત્વનું છે કે બચાવકાર્યના 17માં દિવસે 12 રેટ માઈનર્સની ટીમે 15 મીટર જેટલું કપરું ખોદકામ કરીને શ્રમિકો સુધીનો રસ્તો મોકળો કરી દીધો હતો. 800 એમએમના પાઈપથી શ્રમિકોને સાંજના સમયે હેમખેમ બહાર કાઢી નાખવામાં આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે જ્યાં સમગ્ર વિશ્વના મશીનો બંધ પડી રહ્યાં હતાં ત્યારે રેટ માઈનર્સ કે જેમણે ઉંદરની જેમ પર્વતમાંથી ખોદકામ કરીને 21 કલાકમાં 13 મીટર જેટલો કાટમાળ સાફ કરીને શ્રમિકોને નવું જીવનદાન આપ્યું હતું.
વધુમાં, મળેલ માહિતી પ્રમાણે શ્રમિકો માટે સુરંગમાં જયારે સ્ટ્રેચર મોકલવામાં આવ્યાં હતાં ત્યારે શ્રમિકો એટલાં સ્વસ્થ હતાં કે જેઓએ સ્ટ્રેચર દ્વારા નહિ પણ સરકીને આવવાની તૈયારી દર્શાવી હતી. ઉત્તરાખંડના સી.એમ પુષ્કર ધામી અને રોડ તેમજ ટ્રાન્સપોર્ટના મંત્રી વી.કે.સિંઘ પણ ઘટના સ્થળે હજાર રહ્યાં હતાં અને દરેક બહાર કઢાયેલા શ્રમિકોનું ફૂલનો હાર પહેરાવીને અભિવાદન કર્યું હતું. આ ઉપરાંત રાજ્ય સરકારે દરેક ફસાયેલાં શ્રમિકોને 1-1 લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી મોદીજીએ પહેલાં દિવસથી જ ટેલીફોનિક માધ્યમથી ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામી સાથે ઘટનાની વિગતવાર માહિતી લઈ રહ્યાં હતાં અને દરેક શક્ય મદદ પહોચાડવા માટેની માહિતી આપી હતી અને આજે રાત્રે દરેક શ્રમિકના હેલ્થ ચેકઅપ પછી જયારે ડોકટરોની ટીમે દરેક શ્રમિક સ્વસ્થ છે તેમ જાહેરાત કરી તે પછી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્રમિકો સાથે ટેલીફોનિક વાત કરી હતી અને દરેકના સકુશળ સમાચાર પૂછ્યા હતાં.