Outlook Highlight:
1. ઉત્તરાખંડ ટનલમાં ફસાયેલા છે 41 શ્રમિકો
2. 7 દિવસથી ચાલી રહ્યું છે બચાવ કામ
3. ટનલમાં ફસાયેલા લોકોને બચાવવા માટે મોકલાવાઈ રહ્યા છે સુકા મેવા સહીત દવાઓનો જથ્થો
ઉત્તરકાશી: ઉત્તરાખંડમાં ટનલ કામગીરી હેઠળ ફસાયેલા 41 શ્રમિકોને બચાવવા માટે છેલ્લા 7 દિવસથી સતત કામગીરી ચાલી રહી છે ત્યારે શ્રમિકોને માનસિક તણાવથી દૂર રાખવા એટલા જ જરૂરી છે જેને પગલે એંટી ડીપ્રેસનની દવા, મલ્ટી વિટામીનની દવાઓ તેમજ સુકો મેવો મોકલવામાં આવી રહ્યો છે.
સડક પરિવહન અને રાજમાર્ગ સચિવ અનુરાગ જૈને રવિવારે જણાવ્યું હતું કે દવાઓ અને સુકો મેવો શ્રમિકોને મોકલવામાં આવી રહ્યો છે, તેમજ વધુમાં જણાવ્યું કે, ટનલમાં લાઈટ શરૂ થઇ ગઈ છે જે એક રાહતના સમાચાર છે. 4 ઈંચની પાઈપથી શ્રમિકોને પાણી પણ મોકલાવામાં આવી રહ્યું છે. આ સાથે જણાવી દઈએ કે આ રેસ્કયુ ઓપેરેશન પાંચ અલગ અલગ વિકલ્પો પર ચાલી રહ્યું છે. વધુમાં મળેલ માહિતી પ્રમાણે શુક્રવારે બપોરે અંદાજે 2:45 કલાકે પાંચમાં પાઈપને સુરંગમાં મોકલવામાં આવી રહ્યું હતું ત્યારે મોટી તિરાડ પડવાનો એક ભયાનક અવાજ આવતા જ રેસ્કયુ ઓપેરેશન સ્થગિત કરવામાં આવી દીધું હતું. ટનલનું નિર્માણ કરનાર એન.એચ.આઈ.ડી.સિ.એલ. પોતાનું નિવેદન આપતા કહ્યું કે એક્ષપર્ટના જણાવ્યા અનુસાર જો આ કામ શરૂ રાખવામાં આવશે તો સુરંગ વધુ ધસી શકે એમ છે, જે કારણોસર પાઈપને સુરંગની અંદર મોકલવા માટેની કામગીરી હાલ પૂરતી અટકાવી દેવામાં આવી હતી.
શું છે ઓલ વેધર રોડ પરિયોજના
ઉત્તરકાશી જિલ્લાના મુખ્યાલયથી અંદાજે 30 કિ.મી. દૂર અને ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનથી સાત કલાકની દૂરી પર આવેલું સિલ્કયારા સુરંગ, કેન્દ્ર સરકારની ચાર ધામ યાત્રા ઓલ વેધર રોડ પરિયોજનાનો એક મહત્વનો હિસ્સો છે.