દાદા તે દીકરી વઢિયારે ના દેજો જો, વઢિયારી સાસુડી દાદા દોયલી રે

દાદા તે દીકરી વઢિયારે ના દેજો જો
વઢિયારી સાસુડી દાદા દોયલી રે
દિ’એ દળાવે મને રાતડીએ કંતાવે રે જો,
પાછલે ને પરોડિયે પાણીડા મોકલે રે…. દાદા તે દીકરી
ઓશીકે ઈંઢોણી વહુ પાંગતે સિંચણીયું જો,
સામેને ઓરડીએ વહુ તમારું બેડલું રે…. દાદા તે દીકરી
ઘડો બૂડે ને મારું સિંચણીયું ના પોગે જો,
ઊગીને આથમિયો કૂવા કાંડું રે…. દાદા તે દીકરી
ઊડતાં પંખીડા ! મારો સંદેશો લઈ જાજો જો
દાદાને કે’જે કે દીકરી કૂવે પડે રે….  દાદા તે દીકરી
કૂવે ન પડજો ધીડી ! અફીણીયાં ન ખાજો જો,
અંજવાળી આઠમનાં આણાં આવશે રે…. દાદા તે દીકરી
કાકાના કાબરીયા મામાના મુંજડિયા જો,
વીરાના વાગડિયા વઢિયારે ઊતર્યા રે…. દાદા તે દીકરી
કાકે સીંચ્યું તે મારા મામાને ચડાવ્યું જો,
વીરેને ફોડાવ્યું વઢિયરને આંગણે રે…. દાદા તે દીકરી
(લોકસાહિત્યમાંથી…..)

કોરી આંખે સાંભળી ન શકાય તેવું આ લોકગીત છે. આ લોકગીતમાં કવિતા છે, ઘેરા કરુણની કવિતા છે. આ લોકગીત સંભાળવા માટે દાદા કે પિતા હોવા જરૂર નથી. લોકસાહિત્યમાં દાદા અને દીકરીનો એક વિશિષ્ટ સંબંધ છે. પિતાના અર્થમાં પણ ઘણી જગ્યાએ દાદા શબ્દ વપરાય છે. કોઈપણ જાતના સંકોચ વગર દીકરી પોતાના માટે પાતળીયો વર જોવાનું દાદાને કહે છે અને સાસરે દુઃખ હોય તો એની પીડાની વાત પણ એ એમને જ કરે છે. સાસરે દાદા નજીક હોય તો વાત થાય પણ દૂર હોય તો ગામના કોઈ ઓળખીતાની સાથે સંદેશો પણ મોકલાય. દાદાએ સારું ખોરડું એટલે કે ઘર જોઈને જ દીકરીને સાસરે દીધી હશે અને વિચાર્યું હશે કે દીકરીની આંખમાં આંસુ આવશે કે જયારે દીકરી ખુશ હશે! પણ વાસ્તવિકતા તો કંઈક અલગ જ છે. આ લોકગીતનો પ્રારંભ જ સીધો અને હૃદયને સ્પર્શે એવો છે. નાયિકા કહે છે કે દાદા, કોઈપણ દીકરીને ક્યારેય આજ પછી વાગડમાં ન પરણાવતાં. કારણમાં નાયિકા ચોખ્ખું કહી દે છે કે ‘વાગડની વઢિયારી સાસુ દોયલી રે’. આ લોકગીતમાં ‘રે’ તાલ સાથે અરેકારો પણ સાંભળવા મળે છે.

ઉલ્લેખનીય છે કે વાગડની ગાયોને વઢિયારી પણ કહેવામાં આવે છે. વઢિયારી ગયો પ્રમાણમાં વસમી અને શીંગડાઉવાળ હોય છે. આથી સાસુને વાગડની ગાયોની સાથે સરખાવવામાં આવે છે. આ લોકગીતમાં લોકકવિએ જાણે શબ્દોની કરકસર કરી હોય તેવું લાગે છે. વહુની દિનચર્યા પણ તેને ત્રણ પંક્તિમાં કહી દીધી છે. વહેલી સવારથી ઘંટી માંડવાની, આખું ઘર અને પરોણા ઉપરાંત સાથી દાડિયા પેટ ભરીને ખાય તેટલું દળવાનું, માત્ર દળવાથી કામ પૂરું થતું નથી. પણ એના રોટલા ઘડવાના, વાસણ સહિતનું આખું કામ એકલે હાથે પૂરું કરવાનું અને આવું બીજું પણ કામ વહુને સાસુ દ્વારા આપવામાં આવે છે અને રાત્રે વહુને આરામ કરવાની જગ્યાએ રેટીયો કાંતવા આપી દેવામાં આવે છે. એક જમાનો એવો પણ હતો કે લોકો જાતે કાંતેલા સૂતરના વસ્ત્રો વણતા. ઘરે ઘરે રેટીયો ગૂંજતો હતો. અહીં કંતાવે ક્રિયાપદ રાત અને શરીરના કાંતવાની વાત સાથે દાંપત્ય અને જાતીયજીવનની વિડંબના પણ નિહિત છે.

દિવસ રાતની થાકેલી વહુની આંખ માંડ મંડાય છે ત્યારે સાસુ ખાટલે ઈંઢોણી અને પાંગતિયું તૈયાર જ રાખે છે. અને વહેલી પરોઢે વહુને પાણી ભરવાં મોકલે છે. પહેલાંના સમયમાં કૂવાનું પાણી ઊંડું જાય તે પહેલાં બેડે બેડે પાણી ભરી લેવાનું હોય અને તે પણ પાછું માણસનું અને ઢોરનું! વહુ પાણી ભરવાં તો જાય છે પણ માર્મિકતા તો અહીં જોવા મળે છે. કૂવાના પાણી ઊંડા જતા રહ્યાં છે એવું અહીં દર્શાવામાં આવે છે. આથી વહુ આખો દિવસ કૂવાનું પાણી ઉપર આવે એની રાહ જોવે છે અને આખો દિવસ પસાર થઇ જાય છે. વહુએ જે સાસરીયા અને સંસારના સપના જોયા છે તે અહીં તૂટતા જોવા મળે છે અને જીવનના જળ સુધી સિંચણીયું પહોચતું નથી.

અહીં લોકગીતમાં નાયિકા પક્ષીઓને ઘરે જતા જોવે છે, ત્યારે પક્ષીઓને કહે છે કે તમે સંદેશો મારા દાદાને કહેજો કે, ‘દીકરી કૂવે પડે રે!’. આ ઉપરાંત પક્ષીઓને કહે છે કે, માતાને આ વસમા સમાચાર દાદાને કહેજો કે ન આપે, કારણકે મા આ સહન નહી કરી શકે. એટલામાં જ સંદેશો મળે છે કે તમે કૂવે ન પડજો. અજવાળી આઠમનાં આણાં આવશે અને નક્કી કરેલ દિવસે પિયરના પુરુષો આણાં આવે છે. અહીં પિયરના પુરુષો નક્કી કરેલ સમય પ્રમાણે આવી પહોચે છે અને દીકરીને પડેલ દુઃખને જોઇને ચુપચાપ દીકરીને લઈને પિયરના પુરુષો ચાલ્યા જતા નથી પણ પુત્રી ઉપરના ગોઝારા સીતમને સૂચવતું પેલું પાણીનું ભર્યું બેડું સાસુની સામે તેના આંગણે દીકરીના પિયરીયા પછાડે છે અને દાઝ કાઢે છે. પછી જ તેઓ તેમના ગામ જવા નીકળે છે. આ આખા લોકગીતનો મર્મ જાણે કે કરુણ રસ અને નિર્દોષ વિનોદમાં સમાઈ ગયો છે તેવું લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *