Outlook Highlight:
1. જૂનાગઢમાં રંગેચંગે શિવરાત્રિના મેળાનો પ્રારંભ
2. જૂનાગઢના મેળામાં ઉમટી પડયા દેશ-વિદેશમાંથી ભાવિકો
૩. મેળાના પ્રારંભ સાથે જ અન્નક્ષેત્રો ધમધમ્યા
ધ મીડિયા આઉટ લૂક ટીમ, જૂનાગઢ:
6th March, 2024 07:30 PM
પરંપરાગત ગણાતા એવા શિવરાત્રિના મેળાની શરૂઆત રંગેચંગે જૂનાગઢમાં થઈ ચૂકી છે ત્યારે દેશ વિદેશમાંથી ભક્તજનો બાબા ભોલેના દર્શન અર્થે ભવનાથ તળેટીમાં પહોંચી ચૂક્યા છે. ચાર દિવસ ચાલનારા આ ભવ્ય મેળામાં સાધુઓએ પોતાના ધૂણા નિત્યક્રમ પ્રમાણે લગાવીને ભગવાન શિવની આરાધનામાં લાગી ગયા છે.
મહત્વનું છે કે પ્રથમ દિવસે જ 2 લાખથી પણ વધારે ભાવિકો ભગવાન શિવના દર્શને આવી પહોંચ્યા હતા. તો આ સાથે જ જૂનાગઢમાં ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી ભાવિકોને કોઈ હાલાકીનો સામનો ના કરવો પડે. મહાપર્વ ગણાતા એવા શિવરાત્રિના મેળામાં અન્નક્ષેત્રો ધમધમવા લાગ્યા છે. 8 માર્ચ સુધી ચાલનારા આ મેળામાં સ્થાનિક પ્રશાસન ધ્વારા પ્લાસ્ટિકના ઉપયોગ સામે જાહેરનામું બહાર પાડીને લોકોને પ્લાસ્ટિકના ઉપયોગ સામે મનાઈ ફરમાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 5 માર્ચે સવારે 9:00 વાગ્યાના અરસામાં ભવનાથ તળેટીમાં 21 ફૂટ લાંબી ધજા ચઢાવીને આ મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે દરમિયાન હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર વાતાવરણ જાણે ભક્તિમય બની ગયું હતું.
મળેલ અહેવાલ પ્રમાણે સરકાર ધ્વારા જૂનાગઢ માટે બસો દોડાવામાં આવી રહી છે ત્યારે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દેશ વિદેશથી ભક્તો જૂનાગઢના મેળામાં આવી રહ્યાં છે ત્યારે ઠેર ઠેર ઉતારાઓ તૈયાર કરવામાં આવ્યા છે. આશા છે કે ચાર દિવસીય આ મેળો વધુ ભક્તિમય બની રહેશે.