રામમય ભારત: ભગવાન રામનું દિવ્ય સ્વરૂપે લોકોને મંત્રમુગ્ધ કર્યા

Outlook Highlight:

1. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 140 કરોડ દેશ વાસીઓની આસ્થાને સન્માન આપ્યું                                                                                        2. 500 વર્ષ બાદ ભગવાન રામ પોતાના અયોધ્યમાં પરત ફર્યા                                                                                                                3. દેશો-દુનિયામાં છવાયો ભગવાન રામનો જાદુ

ના માત્ર દેશ પણ પૂરી દુનિયામાં એક જ ચર્ચા ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાની સાંભળવા મળી રહી છે. આજનો દિવસ એટલે કે તારીખ 22/01/2024 ભારત દેશના ઇતિહાસના પાનાં પર છપાઈ ગઈ કે જયારે ભગવાન રામ પોતાના સ્થાનકમાં 500 વર્ષના વનવાસ પછી પરત ફર્યા. દેશ આજે રામમય બન્યો છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યજમાન તરીકે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા કરીને અયોધ્યાને પૂરી દુનિયા સામે અલૌકિક સ્વરૂપે લાવીને મૂકી છે.

મહત્વનું છે કે 5 વર્ષના રામ લલ્લાના સ્વરૂપના દર્શન જયારે દેશવાસીઓ સામે આવ્યાં ત્યારે આંખોમાં હરખનાં આંસુ સાથે લોકોએ ભગવાન રામને વધાવ્યા અને ભગવાનના બાલ્ય સ્વરૂપને જોઇને તમામના મુખમાંથી એક જ શબ્દ સરી પડ્યો અને તે હતો, “રામ”. ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્યક્રમમાં હાજર મહાનુભાવો અને દેશને સંબોધતા જણાવ્યું કે, “ભગવાન રામ ભારતની પ્રતિષ્ઠા છે, પ્રવાહ છે, ભગવાન રામ એ આગ નથી પણ સદીઓથી પૂરી પાડતી ઉર્જા છે.” આ ઉપરાંત વધુમાં સંબોધનમાં પ્રધાનમંત્રી મોદીએ ઉમેર્યું કે, “આજે આપણા ભગવાન રામ આવી ગયા, રામ સદીઓની પ્રતિક્ષા પછી આવ્યાં છે. ભગવાન રામ કોઈ એકના નથી, ભગવાન રામ તો બધાનાં છે. આ રામ કૃપા જ છે કે આ પળના આપણે સૌ સાક્ષી બન્યા છે.”

આ સાથે પ્રધાનમંત્રીએ દેશ વાસીઓને જણાવ્યું કે, “ભગવાન રામના સાક્ષાત્કાર કરાવતા એવા ગુણોને આપનાવો. દરેક યુગમાં ભગવાન રામની પૂજા થઈ છે, લોકોએ ભગવાન રામને જીવ્યા છે.” વધુમાં પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે, “આ મંદિર એ માત્ર દેવ મંદિર નથી, પણ ભારતની આસ્થાનું, દિગ્દર્શનનું મંદિર છે. આ રામ રૂપમાં રાષ્ટ્ર ચેતનાનું મંદિર છે. રામ ભારતની આસ્થા છે, અને રામ જ ભારતનો આધાર છે.”

ભગવાન રામની અયોધ્યા વાપસીના ભાગરૂપે દેશમાં સર્વત્ર ભગવાન રામનો પરચમ લહેરાઈ રહ્યો છે. નાના મોટાં તમામના મોઢાં પર એક દિવાળી પર્વ કરતાં પણ વધારે ખુશી છલકાઈ રહી છે. ઠેર ઠેર કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે તો ઠેર ઠેર મંદિરોમાં હવનોનું આયોજન થઇ રહ્યું છે દેશ જાણે રામમય થઇ ગયો છે ત્યારે લોકમુખે એક જ વાત છે કે “મારા ભગવાન રામ પરત આવી ગયા, જય શ્રી રામ!”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *